મહેશ સવાણી રોજ પુત્રવધૂના ચરણસ્પર્શ કરે છે, 4874 દીકરીઓના પિતાની વાત સાંભળી માન થશે.પુત્રવધૂઓને કેમ પગે લાગે છે?..

Spread the love

આ પ્રસંગે એક એવા પિતાની વાત કરીશું જે એક, બે નહીં પણ 4874 દીકરીઓના પિતા છે! હા તમે સાચું વાંચ્યું. વાત થઈ રહી છે મહેશ સવાણી. ગુજરાતની પિતાની વિનાની 4874 દીકરીઓને તેમણે અત્યાર સુધીમાં સાસરે વળાવી છે. એક પિતા તેની લાડલી દીકરીની જે બધી બાબતોની સંભાળ રાખે એમ જ મહેશભાઈ રાખે છે.

ફાધર્સ-ડે પર દિવ્ય ભાસ્કરે મહેશભાઈ સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું, ‘મારે વધારેમાં વધારે દીકરીઓને પરણાવી છે. જો મારી પાસે અંબાણી-અદાણી જેટલા રૂપિયા હોત તો હું આખા ગુજરાતની તમામ દીકરીઓના લગ્ન કરાવત.’ દીકરીઓ મહેશભાઈ સવાણીને લાડમાં ‘વર્લ્ડના બેસ્ટ પપ્પા’ કહીને બોલાવે છે.

મહેશભાઈ સવાણી માટે કોઈ પણ સ્ત્રી ભગવાનનું રૂપ છે. તમને જાણીને નવાઈ લાગશે પણ મહેશભાઈ સવાણી આજે પણ ઘરની બહાર જાય તો તેમની બંને પુત્રવધૂના ચરણસ્પર્શ કરીને નીકળે છે. પોતાના દીકરા મોહિતના લગ્નમાં પણ તેમણે બધા મહેમાનોની હાજરીમાં નવપરિણીત પુત્રવધૂના ચરણસ્પર્શ કર્યા હતા. આ અંગે તેમણે જણાવ્યું હતું, ‘મેં મારી પુત્રવધૂને કોઈ દિવસ પુત્રવધૂ કહી નથી.

દરરોજ ઘરેથી નીકળું તો મારી બંને દીકરીઓ એટલે કે મારા બંને દીકરા મિતુલ અને મોહિતની પત્ની જાનકી અને આયુષીને પગે લાગીને નીકળું છું, કેમ કે હું એમને જ ભગવાન માનું છું. જગત જનની એ જ છે. એ મારો વંશ પણ આગળ વધારવાની છે. એ બંને મારી દીકરીઓ જ છે. બંને દીકરીઓ મારી સ્કૂલ સંભાળે છે. દીકરાઓ બિઝનેસમાં છે અને સોશિયલ પ્રોગ્રામ હોય ત્યારે પણ જવાબદારી નિભાવતા હોય છે. સમૂહલગ્નમાં જે દીકરીઓ પરણવાની હોય તેની શોપિંગની જવાબદારી પણ નિભાવે છે.

મહેશભાઈ કહે છે, ‘મારા ફાધર એક જ વસ્તુ કહેતા કે પૈસા કમાતા પહેલા પૈસા વાપરતા શીખો. કમાવો છો એના કરતાં કઈ જગ્યાએ વાપરો છો એ મહત્ત્વનું છે. એટલે અમારા પરિવારમાં આ સંસ્કારો તો માં-બાપમાંથી મળ્યા છે. અમે ભણતાં હતાં ત્યારથી મારા ફાધરના સોશિયલ કામ રહેતા હતા. મારૂં ફેમિલી મારા સપોર્ટમાં હોય છે. મારા ફાધરે આજથી ત્રીસ વર્ષ પહેલા મારા લગ્ન સમૂહમાં કર્યા હતા.

અમે ચાર ભાઈ-બહેન છીએ તેમના પણ લગ્ન સમૂહમાં કર્યા હતા. મે મારા બે દીકરાઓ મિતુલ અને મોહિતના લગ્ન પણ સમૂહ કર્યા હતા. આવતા વર્ષે મારા ભાઈના બે દીકરાઓના લગ્ન પણ સમુહમાં જ કરીશું. અમે ખોટા દંભ કે દેખાડામાં માનતા નથી. રૂપિયો સારી જગ્યાએ વપરાય અને વાપરેલા રૂપિયથી બીજા લોકોને પણ લાભ મળે એ વધારે અગત્યનું છે.’

મહેશભાઈએ જણાવ્યું હતું, ‘મેં મારા દીકરાના લગ્ન સમૂહમાં કર્યા ત્યારે એવું પ્લાનિંગ કર્યું હતું કે એક પ્રોગ્રામ આપણે VVIP મહેમાનો માટે કરીએ. એટલે સંગીત સંધ્યા રાખીએ. આ વખતે મારા દીકરાએ મને સામેથી કહ્યું કે આપણે પ્રોગ્રામ અલગથી કરીએ તો દીકરીઓને ખરાબ ન લાગે? તો આપણે આ પ્રોગ્રામ ન કરવો જોઈએ. આ નિર્ણય મારા દીકરાનું હતું. અમારા પરિવારમાં ત્રણ ભાઈના છ દીકરા દીકરી છે એમાંથી કોઈ પણ નથી કહેતું કે અમારે ધામધૂમથી કે ડેસ્ટિનેશન વેડિંગ કરવા છે.’

તેમણે આગળ જણાવ્યું, ‘અમે અત્યાર સુધીમાં 4874 દીકરીઓના લગ્ન કરાવ્યા છે. વર્ષ 2007 પછી કોરોનાના એક વર્ષને બાદ કરતાં દર વર્ષે સમુહલગ્નનું આયોજન કરીએ છીએ. નોટબંધી પહેલાં ખર્ચો વધારે થતો હતો. પછી થોડું લિમિટેશન રાખ્યું. પહેલા જ્વેલરી અને ગોલ્ડ આપતા હતા, જે હવે ઓછું કરી નાખ્યું છે. દીકરીઓના મેરેજ અને મેરેજ પછી તેમની ડિલિવરી સુધીનો ખર્ચ અમે ભોગવીએ છીએ. જે એવરેજ વર્ષના 14 કરોડ રૂપિયા જેટલા થાય છે. એટલે કે અમે 150 કરોડ રૂપિયાથી વધુની રકમ ખર્ચી છે.’

વધુમાં મહેશભાઈએ જણાવ્યું હતું, ‘અફસોસ એ વાતનો છે કે હું વર્ષ 2007થી મેરેજ કરાવું છું. નોટબંધી પછી ફાઈનાન્સિયલ પોઝિશનના કારણે પહેલા જે કરિયાવર કરતો હતો એ હવે નથી કરી શકતો. મને દુખ થાય છે કે દીકરીઓને અમુક અમુક વસ્તુઓમાં સપોર્ટ નથી કરી શકતો. લગ્ન કરાવવા એ બહુ મોટી વાત નથી. લગ્ન કરાવ્યા બાદ પણ એનું ધ્યાન રાખવું એ બહુ મોટી બાબત થઈ જતી હોય છે. જ્યારે આવું હું સમયને અભાવે ન કરી શકું તો વસવસો રહે. 3-5 ટકા દીકરીઓ એવી પણ છે કે જેમને જરૂરિયાત ન હોય પરંતુ એમને લીધે બાકીની 96 ટકા દીકરીઓને તકલીફ ન રહે એ હું જોતો હોઉં છું.’

વધુમાં મહેશભાઈએ કહ્યું હતું, ‘ભગવાને મને દીકરી નથી આપી. મને બહુ ઈચ્છા હતી કે મારા ઘરમાં દીકરીનો જન્મ થાય. મારે એક કૌટુંબિક ભાઈ ઈશ્વર સવાણી હતા. તેમને બે દીકરીઓ હતી અમૃતા અને મિતુલા. નાનપણમાં આ દીકરીઓને મેં ખૂબ રમાડી હતી. બંને દીકરીઓને નાનપણથી મોટી થતી મેં જોઈ છે. તેમના પ્રત્યે ભારે લાગણી હતી. દરમિયાન વર્ષ 2007માં આ દીકરીઓના લગ્નના 10 દિવસ પહેલા તેમના પિતા ઈશ્વર સવાણીનું નિધન થયું. તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું. મેં પરિવારને ધરપત આપી અને બંને દીકરીઓના લગ્નની જવાબદારી ઉપાડી દીધી.

રંગેચંગે લગ્ન કરાવી કન્યાદાન કર્યું. તે વખતે મને વિચાર આવ્યો કે આ દુનિયામાં અમૃતા અને મિતુલા જેવી અનેક પિતા વિનાની દીકરીઓ હશે તેનું શું થતું હશે? જે દીકરીએ તેના પિતાનું મોં નહીં જોયું હોય કે જે દીકરીના પિતા નાનપણમાં ગુજરી ગયા હશે તેનું જીવન કેવું હશે? દીકરીઓના લગ્ન કરાવવા માટે વિધવા માતાને કેટલું દુ:ખ ભોગવવું પડતું હશે? ત્યાર પછી મેં મનોમન નક્કી કર્યું કે પિતા વિનાની દીકરીઓના લગ્ન કરાવીને એક પિતા તરીકેની સંપૂર્ણ જવાબદારી નિભાવીશ.

દીકરીઓ કહે છે 22 વર્ષ પછી અમે ‘પપ્પા’ નામનો શબ્દ બોલ્યાં. દીકરીઓ અંગે વાત કરતાં કહ્યું હતું, ‘વર્ષ 2022માં જે દીકરીઓના લગ્ન કરાવવા છે. તે તમામ દીકરીઓનું અલગ ગ્રુપ બનેલું છે. આ દીકરીઓના મેસેજ તમે વાંચો તો તમારી આંખમાંથી આસું આવી જાય. એમાંથી ઘણી બધી દીકરીઓ એવું બોલે કે અમે 18, 20 કે 22 વર્ષ પછી ‘પપ્પા’ નામનો શબ્દ બોલ્યા છીએ. અમને બધી બહેનોને પપ્પા મળી ગયા. હું હજી એમને એક પણ વાર મળ્યો નથી તો પણ એ ‘પપ્પા પપ્પા’ કહેતી હોય છે. તેઓ કહેતાં હોય છે કે કેટલાં વર્ષો પછી અમે ‘પપ્પા’ નામનો શબ્દ બોલ્યા છીએ.’

મહેશભાઈએ આગળ જણાવ્યું હતું, ‘મને 95 ટકા વિધવા બહેનો પત્ર લખી છે અને કહે છે કે અમને મારા કાકા કે મોટા બાપા સપોર્ટ કરતા નથી. જ્યારે ઘરમાં કમાનાર પુરુષનું અવસાન થાય ત્યારે વિધવા બહેન પર આફત આવી પડતી હોય છે. વિધવા બહેનો કચરા-પોતા કે નોકરી કરીને સંતાનોને મોટા કરતી હોય છે. લગ્ન માટે દીકરીઓના મમ્મીને ખૂબ ટેન્શન હોય છે કે તેમના લગ્ન કેવી રીતે થશે? કેવી રીતે સંભાળીશુ? હું જ્યારે દીકરી અને તેની મમ્મીને પહેલીવાર મળું ત્યારે મારું પહેલું વાક્ય જ એ હોય છે કે તમે દીકરીને મોટી કરીને તમારી જવાબદારી પૂરી કરી, હવે એક બાપ તરીકે મારી જવાબદારી શરૂ થાય છે.’

મહેશભાઈએ કહ્યું હતું, ‘અમારો એક પીપી સવાણી પરિવાર છે. એક મંડળ બનાવ્યું છે. દીકરીઓમાં તમામ જાતિની દીકરીઓ હોય છે અને દરેક સમાજના જમાઈ હોય છે. મેરેજ પછી 50-50 દીકરી અને જમાઈના ગ્રુપ બનાવીએ અને એ લોકોને કુલુ મનાલી હનીમૂનમાં મોકલીએ. ત્યા બાર દિવસ એ તમામ સાથે રહે એટલે એ લોકોમાં ભાઈચારો આવે. ઘર- જ્ઞાતિ વગેરે ભૂલીને બધામાં ભાઈચારો વધે. દર 50 જમાઈ ઉપર એક જમાઈ કેપ્ટન હોય. એવા 93 કેપ્ટન છે. એ 93 કેપ્ટનને મેસેજ જાય એ બધા જમાઈ સુધી પહોચે અને કોઈને કઈ પણ પ્રોબ્લેમ હોય તો એ એના કેપ્ટનને વાત કરે .

જમાઈઓ બધા જુદા ક્ષેત્રોમાથી આવે છે, તો ડોક્ટર વકીલ વગેરે જેવી કમિટી બનાવી છે. ઉપરાંત કોઈ પણ દીકરી વિધવા થાય તો એમને દર મહિને 7500 રૂપિયા મળવાના ચાલુ થાય. એટલે મારી દીકરી પિયરમાં હોય કે સાસરીએ, કોઈ એવું ન કહી શકે કે એ મફતનું ખાય છે. એક બાપ તરીકેની અમારી જવાબદારીમાં આવે એ નિભાવીએ છીએ.’ દીકરી વિધવા થાય તો દર મહિને 7500 રૂપિયા મળે

મહેશભાઈ એચઆઇવી પીડિત નિરાધાર દીકરીઓ માટે પોતાનું લક્ઝુરિયસ ફાર્મ હાઉસ ખોલી નાખ્યું હતું. તેમના ફાર્મ હાઉસમાં 71 એચઆઈવી પીડિત દીકરીઓ રહે છે. આ ઉપરાંત મહેશભાઈ સિનિયર સિટીઝન અને વિધવા બહેનોને જાત્રા પણ કરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અભીતક24 ન્યૂઝ સાથે.

અમારું Facebook Page લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Whatsapp પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

નોંધ :– વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી પોતાની તથા જે તે લેખક, સોર્સ ની રહેશે. અભીતક24 વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.